મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ઑક્ટોબર 2027 › 10 ઑક્ટોબર
ઓર્થોડોક્સ પંચાંગ · 27 સપ્ટેમ્બર (જૂની પદ્ધતિ)
ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 10 ઑક્ટોબર 2027
રવિવાર · સ્વર 7
પર્વો અને સંતો
પચાસમાના પર્વ પછીનો 16મો રવિવાર
ઉપવાસ
ઉપવાસ નથી
આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.
દિવસનાં વાંચનો
પ્રભાત-પ્રાર્થનાની પાંચમી સુવાર્તા
12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો. 13તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા. 14આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. 15એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. 17ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંના એકલા તમે જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતા?” 19તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; 20વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં. 21પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો. 22વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, 23એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. 24અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.” 25તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તમે પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો. 26શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. 28જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. 29તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા. 30એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. 31ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. 32તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?” 33તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, 34કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’” 35ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.
પત્ર
1અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ. 2કેમ કે તે કહે છે કે, ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે. 3અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી. 4પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી, 5ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી, 6શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી, 7સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી. 8માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા; 9અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ; 10શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.
સુવાર્તા
1હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો. 4ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. 8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 27 સપ્ટેમ્બર એટલે નાગરિક પંચાંગનો 10 ઑક્ટોબર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો