મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 16 સપ્ટેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 16 સપ્ટેમ્બર 2027
ગુરુવાર · સામાન્ય કાળનું 24મું અઠવાડિયું
પર્વો અને સંતો
સામાન્ય કાળના 24મા અઠવાડિયાનો ગુરુવાર
સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લાલ
સંત કર્નેલ્યસ, પોપ, અને સંત સિપ્રિયન, ધર્માધ્યક્ષ, શહીદો · સ્મૃતિદિન
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
12તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે. 14જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ. 15એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય. 16પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.
પ્રત્યુત્તર ગીત
7તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. 8તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. 9તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. 10યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
સુવાર્તા
36કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. 37જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને, 38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું. 39હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’” 40આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’ ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’” 41ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. 42જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’” 43સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’” 44પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે. 45તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે. 46તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે. 47એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’” 48ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” 49ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’” 50ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”
આજના સંતો
- સંત કર્નેલ્યસ, પોપ, અને સંત સિપ્રિયન, ધર્માધ્યક્ષ, શહીદો
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો