મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 6 માર્ચ
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 6 માર્ચ 2027
શનિવાર · તપઋતુનું ત્રીજું અઠવાડિયું
પર્વો અને સંતો
તપઋતુના ત્રીજા અઠવાડિયાનો શનિવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
1“આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે. 2બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું. 3ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે. 4હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે. 5માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે. 6કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
પ્રત્યુત્તર ગીત
1મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો. 2મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો. 16કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી. 17હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ. 18તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો. 19પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
સુવાર્તા
9કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો. 11ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું. 12અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’” 13પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’” 14હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો