Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 30 ડિસેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 17 ડિસેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 30 ડિસેમ્બર 2026

બુધવાર · પચાસમાના પર્વ પછીનું 31મું અઠવાડિયું · સ્વર 5

પર્વો અને સંતો

Prophet Daniel and the Three Holy Youths, Ananias, Azarias, and Misael (c 600 BC)

નાતાલનો ઉપવાસ

ઉપવાસ: તેલ વિના રાંધેલો ખોરાક

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

પત્ર

યાકૂ 1:1–18

1વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ. 2મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. 6પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે. 9જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે. 12જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. 13કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી. 14પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. 16મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ. 17દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

પત્ર (પ્રબોધક દાનિયેલ અને ત્રણ જુવાનો માટે)

હિબ 11:33–12:2

33તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં, 34અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં. 35વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે; 36બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા. 37તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા; 38માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા. 39એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ. 40કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ. 12:1આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. 2આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

સુવાર્તા

માર્ક 8:30–34

30તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’” 31ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’” 32ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો. 33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’” 34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 17 ડિસેમ્બર એટલે નાગરિક પંચાંગનો 30 ડિસેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો