મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2026 › 8 ડિસેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 8 ડિસેમ્બર 2026
મંગળવાર · આગમનકાળનું બીજું અઠવાડિયું
પર્વો અને સંતો
ધન્ય કુમારી મરિયમનું નિષ્કલંક ગર્ભધારણ
મહોત્સવ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
9યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?” 10આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.” 11ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?” 12તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.” 13યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.” 14યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે. 15તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.” 20તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
પ્રત્યુત્તર ગીત
1ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. 2યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 3તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 4હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
બીજું વાંચન
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે; 4એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. 5તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા 6કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે. 11જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા; 12જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
સુવાર્તા
26છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે! 30સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” 34મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’” 35સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. 36જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો