Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 4 ડિસેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 21 નવેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 4 ડિસેમ્બર 2027

શનિવાર · પચાસમાના પર્વ પછીનું 24મું અઠવાડિયું · સ્વર 6

પર્વો અને સંતો

Entry into the Temple of our Most Holy Lady Theotokos and Ever-Virgin Mary

નાતાલનો ઉપવાસ

માછલીની છૂટ

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નિર્ગ 40:1–5, 9–10, 16, 34–35

1પછી યહોવાહે મૂસાને કહ્યું, 2“પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે. 3તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે. 4મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે. 5તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે. 9તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે. 10તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે. 16યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું. 34પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. 35મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

1 રાજા 8:1, 3–7, 9–11

1પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે. 3ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો. 4યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા. 5રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં. 6યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે સભાસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા. 7કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. 9ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું. 10જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું. 11તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

હઝ 43:27–44:4

27તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે. 44:1પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો. 2યહોવાહે મને કહ્યું, “આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે. 3ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે.” 4પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

લૂક 1:39–49, 56

39તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ. 40ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને. 42તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે. 46મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

પત્ર (ભક્તિસ્થાન-પ્રવેશ માટે)

હિબ 9:1–7

1હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું. 2કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું. 3અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું. 4તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા, 5અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી. 6હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે. 7પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.

સુવાર્તા (ભક્તિસ્થાન-પ્રવેશ માટે)

લૂક 10:38–42; 11:27–28

38તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. 11:27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 21 નવેમ્બર એટલે નાગરિક પંચાંગનો 4 ડિસેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો