મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › ડિસેમ્બર 2027 › 1 ડિસેમ્બર
કેથોલિક પંચાંગ
દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 1 ડિસેમ્બર 2027
બુધવાર · આગમનકાળનું પહેલું અઠવાડિયું
પર્વો અને સંતો
આગમનકાળના પહેલા અઠવાડિયાનો બુધવાર
અઠવાડિયાનો દિવસ · ધાર્મિક વિધિનો રંગ: જાંબલી
દિવસનાં વાંચનો
પહેલું વાંચન
6આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે. 7જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, તેનો આ પર્વત પર તે નાશ કરશે. 8તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે. 9તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.” 10કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે; અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે.
પ્રત્યુત્તર ગીત
1દાઉદનું ગીત. યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ. 2તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. 3તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. 4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. 5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે. 6નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
સુવાર્તા
29પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. 30ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. 31જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો. 32ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” 33શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” 35તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી. 36તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.
સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર C, અઠવાડિયાના દિવસોનું વર્ષ II.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો