Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › નવેમ્બર 2027 › 9 નવેમ્બર

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 9 નવેમ્બર 2027

મંગળવાર · સામાન્ય કાળનું 32મું અઠવાડિયું

પર્વો અને સંતો

લાતેરાન મહાદેવળનું પ્રતિષ્ઠાન

પર્વ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

હઝ 47:1–2, 8–9, 12

અથવા: 1 કરિં 3:9–11, 16–17

1પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું. 2પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં. 8તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે. 9જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે. 12નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 46:1–5, 7–8

1મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે. 2માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ. 3જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ. 4ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે. 5ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે. 7આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ. 8આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.

સુવાર્તા

યોહ 2:13–22

13હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા. 15ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; 16કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’” 17તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’” 18તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’” 19ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’” 20ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’” 21પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા. 22માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો