Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › સપ્ટેમ્બર 2027 › 21 સપ્ટેમ્બર

ઓર્થોડોક્સ પંચાંગ · 8 સપ્ટેમ્બર (જૂની પદ્ધતિ)

ઓર્થોડોક્સ દરરોજનાં વાંચનો — 21 સપ્ટેમ્બર 2027

મંગળવાર · પચાસમાના પર્વ પછીનું 14મું અઠવાડિયું · સ્વર 4

પર્વો અને સંતો

Nativity of Our Most Holy Lady Theotokos and Ever-Virgin Mary

ઉપવાસ

ઉપવાસ નથી

આ મઠના નિયમ પ્રમાણે છે. પરગણામાં, ઉપવાસનું માપ પોતાના પાપકબૂલાત સાંભળનાર ધર્મગુરુ સાથે મળીને, આરોગ્ય, ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે.

દિવસનાં વાંચનો

સંધ્યા-પ્રાર્થના: વાંચન

ઉત્પ 28:10–17

10યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. 11તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો. 12તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા. 13તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ. 14પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે. 15જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ.” 16યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.” 17તે ગભરાયો અને બોલ્યો, “આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે.”

સંધ્યા-પ્રાર્થના: વાંચન

હઝ 43:27–44:4

27તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે. 44:1પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો. 2યહોવાહે મને કહ્યું, “આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે. 3ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે.” 4પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.

સંધ્યા-પ્રાર્થના: વાંચન

નીતિ 9:1–11

1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે; 2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે; તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે. 3તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: 4“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!” અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે, 5આવો, મારી સાથે ભોજન લો અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ. 6હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો; બુદ્ધિને માર્ગે ચાલો. 7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે. 8ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે; અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે. 10યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.

પ્રભાત-પ્રાર્થના: સુવાર્તા

લૂક 1:39–49, 56

39તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ. 40ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને. 42તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે. 46મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

પત્ર (ઈશ્વરજનની માટે)

ફિલિ 2:5–11

5ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. 9તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, 10સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; 11અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

સુવાર્તા (ઈશ્વરજનની માટે)

લૂક 10:38–42; 11:27–28

38તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. 11:27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”

તારીખો રશિયન મંડળીના જુલિયન પંચાંગ પ્રમાણે છે (સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વતની જેમ): મંડળીના પંચાંગનો 8 સપ્ટેમ્બર એટલે નાગરિક પંચાંગનો 21 સપ્ટેમ્બર. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા, યુક્રેન…) નિયત તારીખનાં પર્વો અને સંતોને એ જ નાગરિક તારીખે, 13 દિવસ વહેલા, ઊજવે છે, અને તેઓનાં કેટલાંક વાંચનો જુદાં છે; ઈસ્ટર અને તેના પર આધારિત દિવસો એક જ છે.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો