Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › માર્ચ 2027 › 30 માર્ચ

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 30 માર્ચ 2027

મંગળવાર · પાસ્ખાનું અષ્ટક

પર્વો અને સંતો

પાસ્ખાના અષ્ટકનો મંગળવાર

મહોત્સવ · ધાર્મિક વિધિનો રંગ: સફેદ

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

પ્રે.કૃ 2:36–41

36એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે. 37હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ? 38ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને તમારાં પાપોની માફીને માટે ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો, અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39કેમ કે તે આશાવચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે. 40પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાનાં દુષ્ટ લોકથી બચી જાઓ. 41ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 33:4–5, 18–20, 22

4કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે. 5તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે. 18જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે. 19જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે. 20અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે. 22હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.

સુવાર્તા

યોહ 20:11–18

11જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’” 14એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’” 16ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો