Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › દરરોજનાં બાઇબલ વાંચનો › જાન્યુઆરી 2027 › 16 જાન્યુઆરી

કેથોલિક પંચાંગ

દરરોજનાં બાઇબલ વાંચનો (કેથોલિક) — 16 જાન્યુઆરી 2027

શનિવાર · સામાન્ય કાળનું પહેલું અઠવાડિયું

પર્વો અને સંતો

સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો શનિવાર

વૈકલ્પિક સ્મૃતિદિન · ધાર્મિક વિધિનો રંગ: લીલો

શનિવારે ધન્ય કુમારી મરિયમનો સ્મૃતિદિન · વૈકલ્પિક સ્મૃતિદિન

દિવસનાં વાંચનો

પહેલું વાંચન

હિબ 4:12–16

12કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. 13ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ. 14તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. 15કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. 16એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.

પ્રત્યુત્તર ગીત

ગી.શા 19:7–9, 14

7યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. 8યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. 9યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. 14હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.

સુવાર્તા

માર્ક 2:13–17

13ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો. 14રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો. 15એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. 16શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’” 17ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”

સામાન્ય રોમન પંચાંગ; બિશપોની પરિષદ કેટલાંક પર્વો (પ્રભુનું પ્રકટીકરણ, સ્વર્ગારોહણ, ખ્રિસ્તનું શરીર અને લોહી) રવિવારે ખસેડી શકે છે કે પોતાનાં પર્વો ઉમેરી શકે છે. વાંચનસંગ્રહ: રવિવારનું ચક્ર B, અઠવાડિયાના દિવસોનું વર્ષ I.

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો