Bible Explorer એપ મેળવો

બાઇબલ › ઝખાર્યા › 9

IRV · અધ્યાય 9 / 14

ઝખાર્યા 9

1યહોવાહનું વચન હાદ્રાખ દેશ તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના માટે છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.

2દમસ્કસની સરહદ પર આવેલું હમાથ, તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં:

3તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.

4જુઓ! પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે.

5આશ્કલોન જોઈને બી જશે! ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે! એક્રોનની આશાઓ નિષ્ફળ થશે! ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ!

6આશ્દોદમાં અજાણી પ્રજા પોતાના ઘરો બનાવશે, હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.

7કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે.

8હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારેબાજુ છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહિ, કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહિ. કેમ કે હવે મેં મારી પોતાની આંખોથી તેઓને જોયા છે.

9હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડાં પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.

10હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે!

11તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.

12આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,

13કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ!

14યહોવાહ તેઓને દેખાશે, અને તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવાહ મારા પ્રભુ, રણશિંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે.

15સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

16યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે બચાવશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.

17તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી (IRV, 2019) · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (લખાણ બદલ્યા વિના; પાદટીપો અને શીર્ષકો છોડી દેવાયાં છે) · eBible.org