IRV · અધ્યાય 5 / 48
હઝકિયેલ 5
1હે મનુષ્યપુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તલવાર તું લે. અને તેને તારા માથા પર અને તારી દાઢી પર ફેરવ, પછી ત્રાજવાથી વજન કરીને તારા વાળના ભાગ પાડ.
2ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ નગરની મધ્યમાં બાળી નાખવો. બીજા એક ત્રીજા ભાગને નગરની આસપાસ તલવારથી કાપી નાખ. વળી વાળના ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દેવા, અને હું લોકોની પાછળ તલવાર ખેંચીશ.
3પણ તેઓમાંથી થોડી સંખ્યામાં વાળ લઈને તારી બાયમાં બાંધ.
4પછી તેમાંથી થોડા વાળ લઈને અગ્નિમાં નાખી બાળી દે. તે અગ્નિ ઇઝરાયલ લોકોમાં ફરી વળશે.”
5પ્રભુ યહોવાહ એવું કહે છે: “આ યરુશાલેમ છે તેને મેં પ્રજાઓની મધ્યે સ્થાપ્યું છે, જ્યાં મેં તેને સ્થાપ્યું છે, તેની આજુબાજુ બીજા દેશો આવેલા છે.
6પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી.”
7તેથી પ્રભુ યહોવાહ એવું કહે છે: “કેમ કે તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી અને મારા નિયમોનું પાલન કર્યું નથી; કે તમારી આસપાસની પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું;
8તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, “જુઓ! હું તમારી વિરુદ્ધ છું! હું અન્ય પ્રજાઓના દેખતાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ.
9તમારાં બધાં તિરસ્કારપાત્ર કૃત્યોને કારણે હું તમને એવી સજા કરીશ કે જેવી મેં કદી કરી નથી અને ફરી કદી કરીશ નહિ.
10માટે તમારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, દીકરો પોતાના પિતાને ખાશે; હું તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ અને તારા બાકી રહેલા સર્વને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.
11એ માટે પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે કે,” તે તારી તિરસ્કારપાત્ર વસ્તુઓથી તથા ધિક્કારપાત્ર વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે, તેથી હું તને સંખ્યામાં ઓછો કરીશ, હું ખામોશી રાખીશ નહિ કે દયા બતાવીશ નહિ.
12તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે. તારી આસપાસ ત્રીજો તલવારથી માર્યો જશે. ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ, તલવારથી તેમનો પીછો કરીશ.
13એ રીતે મારો ક્રોધ પૂરો થશે. હું તેઓના પર મારો રોષ સમાપ્ત કરીશ, ત્યારે જ મને શાંતિ થશે. મારો ક્રોધ હું તેઓના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે, હું યહોવાહ આવેશમાં બોલ્યો છું.
14તારી આસપાસની પ્રજાઓ પાસે થઈને જનારાની નજરમાં હું તને વેરાન તથા નિંદારૂપ કરી દઈશ.
15હું જ્યારે તારી વિરુદ્ધ ક્રોધમાં તથા આવેશમાં, સખત ધમકીથી તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે યરુશાલેમ તેની આસપાસની પ્રજાઓને નિંદારૂપ, હાંસીપાત્ર, ચેતવણી રૂપ તથા ભયરૂપ થઈ પડશે.” હું યહોવાહ આ બોલ્યો છું.
16દુકાળરૂપી તેજ-બાણો ચલાવીને હું તમારો નાશ કરીશ. હું તમારા પર દુકાળની વૃદ્ધિ કરીશ. અને તમારા આજીવિકાવૃક્ષને ભાંગી નાખીશ.
17હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ:સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી (IRV, 2019) · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (લખાણ બદલ્યા વિના; પાદટીપો અને શીર્ષકો છોડી દેવાયાં છે) · eBible.org