Bible Explorer એપ મેળવો

બાઇબલ › યોહાનનો ત્રીજો પત્ર › 1

IRV · અધ્યાય 1 / 1

યોહાનનો ત્રીજો પત્ર 1

1જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.

2મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.

3કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.

4મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.

5મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.

6તેઓએ તારા પ્રેમ વિષે મંડળીના વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.

7કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.

8આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.

9મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.

10તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

11મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.

12દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.

13મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,

14પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.

15તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી (IRV, 2019) · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (લખાણ બદલ્યા વિના; પાદટીપો અને શીર્ષકો છોડી દેવાયાં છે) · eBible.org